ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થયા છે. તેવા સમયે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટનમાં રહેતા ખાલિસ્તાની આતંકીઓની ઓળખ કરીને તેમના OCI કાર્ડ રદ કરવા અને ભારતમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, તેમની સંપત્તિઓ જપ્ત કરવા સંબંધિત ઓથોરિટીને નિર્દેશ આપી દીધા છે. ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ સરકારનું આ સૌથી મોટું પગલું મનાય છે.
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં રહેતા ખાલિસ્તાની આતંકીઓ ભારતીય દૂતાવાસો પર હુમલા કરી રહ્યા છે. ભારતીય રાજદ્વારીઓની હત્યા માટે ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવી રહ્યા છે અને ભારત વિરોધી તેમનો એજન્ડા ચલાવી રહ્યા છે. આથી કેન્દ્ર સરકારે હવે તેમના વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું છે.
કેનેડા સાથે વિવાદ વચ્ચે ભારતે ત્યાં વિઝા સેવા બંધ કરી દીધી છે ત્યારે ભારતીય મૂળના OCI કાર્ડધારકો તેનો ઉપયોગ કરીને ભારત આવી શકે છે. પરિણામે તેમનો ભારત પ્રવેશ રોકવા માટે સરકારે ખાલિસ્તાની આતંકીઓના ઓસીઆઈ કાર્ડ રદ કરવા આદેશ આપ્યા છે. ઓવરસીઝ સીટિઝનશિપ ઓફ ઈન્ડિયા ભારતીય મૂળના લોકો અને તેમના જીવનસાથીને અપાતું કાર્ડ છે, જે તેમને ભારત પ્રવેશ અને દેશમાં અનિશ્ચિતકાળ સુધી રોકાવાની સુવિધા પૂરી પાડે છે. ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કર્યા પછી ઓસીઆઈ કાર્ડ અંગે અનેક પ્રકારના સવાલો ઊઠયા હતા.
એક મીડિયા રિપોર્ટમાં અધિકારીઓને ટાંકીને કહેવાયું હતું કે, સરકારે માત્ર વિઝા સેવા બંધ કરી છે. તેનાથી ઓસીઆઈ સેવા પર અસર નહીં પડે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, જેમની પાસે ભારતના વિદેશી નાગરિક કાર્ડ (ઓસીઆઈ) જેવા દસ્તાવેજ છે તેઓ ભારતનો પ્રવાસ કરવા સ્વતંત્ર છે. જોકે, હવે સરકાર ખાલિસ્તાની આતંકીઓને ભારતમાં પ્રવેશ કરતાં રોકી રહી છે. આ કાર્ડ રદ થવાથી તેઓ ભારતમાં તેમના પરિવારજનોને મળી નહીં શકે. વધુમાં સરકારે ખાલિસ્તાનીઓ અને તેમના સમર્થકોની ભારતમાં સંપત્તિ જપ્ત કરવા પણ તૈયારી હાથ ધરી છે.