પાકિસ્તાનમાં ચાલી રહેલા આ આર્થિક સંકટ વચ્ચે હવે વર્લ્ડ બેંકે પણ ચેતવણી આપી દીધી છે. વિશ્વ બેંકે જણાવ્યા અનુસાર, ગત નાણાકીય વર્ષ સુધીમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. નબળી આર્થિક સ્થિતિ વચ્ચે 12.5 મિલિયન વધુ લોકો જીવી રહ્યા છે.
પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓના પણ ફાંફાં પડી રહ્યા છે. અહીં પ્રતિદિન વધી રહેલી મોંઘવારીએ દેશની પ્રજાની હાલત એટલી હદે કફોડી બનાવી દીધી છે કે લોકોને ત્રણ ટાઇમનું ખાવા માટે પણ પૂરતી વસ્તુઓ નથી મળી રહી. પાકિસ્તાનમાં ચાલી રહેલા આ આર્થિક સંકટ વચ્ચે હવે વર્લ્ડ બેંકે પણ ચેતવણી આપી દીધી છે. વિશ્વ બેંકે જણાવ્યા અનુસાર, ગત નાણાકીય વર્ષ સુધીમાં પાકિસ્તાનમાં ગરીબી વધીને 39.4 ટકા થઈ ગઈ છે. નબળી આર્થિક સ્થિતિ વચ્ચે 12.5 મિલિયન વધુ લોકો જીવી રહ્યા છે. જેમાં રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને નાણાકીય સ્થિરતા ફરીથી પ્રાપ્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ વિશ્વ બેંક દ્વારા સલાહ આપવામાં આવી છે.
વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તાએ ડ્રાફ્ટ પોલિસી નોટ્સ જાહેર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ગરીબી એક વર્ષની અંદર 34.2 ટકાથી વધીને 39.4 ટકા થઈ ગઈ છે, જેમાં 12.5 મિલિયન વધુ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. હવે લગભગ 9.5 કરોડ પાકિસ્તાનીઓ ગરીબીમાં જીવે છે. વર્લ્ડ બેંકના લીડ કન્ટ્રી ઇકોનોમિસ્ટ તોબિયાસ હકે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનનું આર્થિક મોડેલ હવે ગરીબીમાં ઘટાડવામાં ફેઇલ સાબિત થઇ રહ્યું છે અને દેશમાં લોકોનું જીવનધોરણ અન્ય સમકક્ષ દેશો કરતા પાછળ જઇ રહ્યું છે.” વિશ્વ બેંકે પાકિસ્તાનને તેની કૃષિ અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રો પર કર લાદવા માટે તાત્કાલિક પગલાં લેવા અને નાણાંકીય સુરક્ષા પ્રાપ્ત કરવા માટે બિનજરૂરી ખર્ચા ઘટાડવાની સલાહ આપી હતી.
વિશ્વ બેંકે પાકિસ્તાનમાં નીચા માનવ વિકાસ, બિનટકાઉ નાણાકીય પરિસ્થિતિ, નિયંત્રિત ખાનગી ક્ષેત્ર, કૃષિ અને ઊર્જા ક્ષેત્રોને દેશની આગામી સરકાર માટે સુધારા કરવા જેવા જરૂરી ક્ષેત્રોની યાદીમાં રાખ્યા હતા. સાથે જ ટેક્સ-ટુ-જીડીપીના રેશિયોમાં તાત્કાલિક 5 ટકાનો વધારો અને ખર્ચમાં જીડીપીના 2.7 ટકાનો ઘટાડો કરવા જેવા પગલા લેવા જણાવ્યું હતું.
તોબિયાસ હકે જણાવ્યું હતું કે, “વિશ્વ બેંક પાકિસ્તાનમાં આજની આર્થિક પરિસ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત છે. પાકિસ્તાન ગંભીર આર્થિક અને માનવ વિકાસની કટોકટીનો સામનો કરી રહ્યું છે.” વર્લ્ડ બેન્કમાં પાકિસ્તાનના કન્ટ્રી ડિરેક્ટર નાજી બેન્હસિને જણાવ્યું હતું કે, “આ સમય પાકિસ્તાનમાં મહત્વના નીતિગત બદલાવો લાવવાનો હોઈ શકે છે.” જુલાઈમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાંથી પાકિસ્તાનને 1.2 અબજ ડોલર (જે નવ મહિના માટે 3 અબજ ડોલરના બેલઆઉટ પ્રોગ્રામનો એક ભાગ છે) મળ્યા બાદ ઓગસ્ટમાં ફુગાવો વધીને 27.4 ટકા થયો હતો.