એક મહિના પહેલા સુધી જે ટામેટા બજારમાં 200 અને છૂટકમાં 250ની પાર પહોંચી ગયો હતો અને ખેડૂતોને સારો એવો ભાવ પણ મળતો હતો. આજે ટામેટા ઉગાડનારા ખેડૂતો પરેશાન છે. મહારાષ્ટ્રમાં ટામેટાની કિંમતો એક મહિના પહેલા 200 રૂપિયા પ્રતિ કિલોથી 3-5 રૂપિયા પ્રતિ કિલો આવી ગઇ છે. એવામાં અહીંના ખેડૂતો પોતાના પાકને નષ્ટ કરવા માટે મજબૂર બન્યા છે.
અઢળક ટામેટાના પાકના ઉત્પાદન પછી તેની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. નાસિકના ખેડૂત સચિન હોલકરે કહ્યું, “આ રીતના બજારમાં ઉતાર-ચઢાવ રોકવા માટે ટામેટા અને ડુંગળી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય જ એકમાત્ર રસ્તો છે.” કેટલાક ખેડૂત ઓછા ભાવમાં પોતાની ઉપજ વેચવામાં સફળ રહ્યાં તેમણે કહ્યું કે તે પોતાના ખર્ચના અડધા રૂપિયા પણ વસૂલ કરી શક્યા નથી.
પૂણેના જથ્થાબંધ માર્કેટમાં ટામેટાની કિંમત 5 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઇ છે. નાસિકમાં પિંપલગાંવ, નાસિક અને લાસલગાંવના ત્રણ માર્કેટ યાર્ડમાં ટામેટાની એવરેજ કિંમત છ અઠવાડિયામાં 2 હજાર રૂપિયા પ્રતિ કેરેટ (20 કિલોગ્રામ)થી ઘટીને 90 રૂપિયા થઇ ગઇ છે.
કોલ્હાપુરમાં ટામેટા છૂટક બજારમાં 2થી 3 રૂપિયા પ્રતિ કિલો પર વેંચાઇ રહ્યાં છે. અહીં લગભગ એક મહિના પહેલા 220 રૂપિયાની આસપાસ કિંમત હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જથ્થાબંધ બજારમાં ઘટાડો થતા પૂણે જિલ્લાની જુન્નાર અને અંબેગામ તાલુકાના ખેડૂતોએ ટામેટાની ખેતી કરવાનું છોડી દીધુ હતું.
સોલાપુર જિલ્લાના કોઠાલા ગામના ખેડૂત વિવેકે પોતાનો ટામેટાનો પુરો પાક નષ્ટ કરી દીધો છે, કારણ કે તેને પાક કાપવા અને 100 કેરેટ (દરેક 23 કિલોગ્રામ)ને પાસેના માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે 8,500 રૂપિયા ખર્ચ કરવા પડતા અને વેચવા પર તેને વધુ નુકસાન જ થાત. સોલાપુર જિલ્લાના કેટલાક ખેડૂતોએ ટામેટાને ખેતરમાં સડવા દીધા છે અથવા ટ્રેક્ટરથી પાકને નષ્ટ કરી દીધો છે.






