ભારત અને કેનેડા વચ્ચે સતત વધી રહેલા તનાવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એક વખત કેનેડા સામે આકરા પ્રહાર કરતાં કહ્યું કે કેનેડામાં હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા ડીપ્લોમેન્ટને પણ ધમકાવામાં આવી રહ્યા છે અને તેમાં કેનેડાના લોકતંત્રને તમે કંઇ રીતે યોગ્ય ગણાવી શકશો.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં ભાગ લેવા માટે ન્યુયોર્ક પહોંચેલા એસ. જયશંકરે કહ્યું કે ખાલીસ્તાની નેતાની હત્યામાં જો ભારતની કોઇ ભૂમીકા હોય તો તેના પુરાવા કેનેડાએ આપવા જોઇએ. અમારી પાસેથી અનેક પુરાવા છે કે કેનેડામાં ખાલીસ્તાની ચળવળ અને ભારતી વિરોધી પ્રવૃતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને અમોએ અનેક વખત કેનેડા સરકારનું ધ્યાન આ બાબતે દોર્યુ છે. સાચી વાત તો એ છે કે રાજકીય હેતુ માટે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું સ્વીકાર્ય નથી. અમે કેનેડાના સાર્વભૌમત્વને સ્વીકાર્ય છીએ પરંતુ તેમાં બેવડા માપદંડ હોય શકે નહીં. ભારત વિરોધી પ્રવૃત્તિને પણ કેનેડાએ ગંભીરતાથી લેવી જોઇએ. શ્રી જયશંકરે કહ્યું કે આ મામલામાં પૂરી રીતે સ્પષ્ટ થવું જરુરી છે. કેનેડામાં હિંસા અને હત્યાઓ વધી છે.
આતંકવાદીઓને શરણ મળી રહ્યું છે અને તેઓ એવો આક્ષેપ કરે છે કે અમે ભારતમાં બેસીને આ હત્યા કરાવી રહ્યા છીએ. જેમની હત્યા થઇ છે તેઓની ઓળખ આતંકી તરીકે થઇ છે તેથી કેનેડામાં શું ચાલી રહ્યું છે તે તમે જાણી શકો છો. ત્યાં જે માહોલ છે તેનાથી ભારત પણ ચિંતીત છે. તેમ છતાં અમારા રાજદ્વારીઓને ધમકાવામાં આવી છે અને અમારા મામલામાં દખલ કરવાની કૌશીષ કરવામાં આવી રહી છે. આતંકવાદને તમે રાજકીય જરુરીયાત મુજબ લઇ શકો નહીં.