દિલ્હીના કોચિંગ હબ ગણાતા મુખર્જી નગરના ગર્લ્સ પીજીમાં બુધવારે આગ લાગી હતી. આગ બાદ બિલ્ડિંગમાં કેટલીક યુવતીઓ ફસાયેલી હોવાના અહેવાલ હતા. પરંતુ હાલ તમામ 35 યુવતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને બુધવારે સાંજે લગભગ 7.47 વાગ્યે મુખર્જી નગરમાં એક પીજીમાં આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 20 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
આ આગ મુખર્જી નગરના સિગ્નેચર એપાર્ટમેન્ટના પીજીમાં લાગી હતી. ડીસીપી નોર્થવેસ્ટનું કહેવું છે કે આગને કારણે આખી ઈમારતને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેણે જણાવ્યું કે આગને કારણે ત્રણથી ચાર છોકરીઓ ગભરાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીજીમાં દાદરની પાસેના મીટર બોર્ડમાં આગ લાગી હતી અને આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગમાં એક જ સીડી હતી.
આ વર્ષે જૂન મહિનામાં પણ મુખર્જી નગરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. બત્રા સિનેમા પાસે આવેલ જ્ઞાન બિલ્ડીંગમાં આ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર હતા. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.