ખાલિસ્તાની આતંકી ગુરવંત સિંહ પન્નુએ ભારતમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડકપને લઇને ધમકી આપી છે.પન્નુએ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાનાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપને લઇને ધમકી આપી છે. કેનેડામાં બેઠેલા આતંકીએ ધમકી આપતા કહ્યું કે 5 ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં હોય, આ વર્લ્ડ આતંક કપની શરૂઆત હશે.
આ ધમકીની એક ઓડિયો ક્લિપ વાયરલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, ટેપની પૃષ્ટી થઇ શકી નથી. કહેવામાં આવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક યૂઝર્સે દાવો કર્યો કે તેમની પાસે ઇન્ટરનેશનલ નંબરથી એક કૉલ આવ્યો છે જેમાં ગુરપતવંત સિંહ પન્નુનો રેકોર્ડ અવાજ સંભળાય છે. પન્નુ તરફથી ભડકાઉ ભાષણને લઇને હિન્દુ ફોરમ કેનેડાએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ ફોરમે પન્નુના કેનેડિયન વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ફ્લાય ઓવરની દિવાલો પર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારા લખેલા છે. વીડિયો જાહેર કરીને ખાલિસ્તાની આતંકીએ દાવો કર્યો છે કે આ બધુ ભારતની સંસદ પાસે થયું છે. પન્નુએ દાવો કર્યો કે દિલ્હીના ISBT વિસ્તાર પાસેની દિવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ પહેલા NIA કોર્ટના આદેશ પર ચંદીગઢમાં પ્રતિબંધિત શિખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુના ઘરની બહાર સંપત્તિ જપ્તની નોટિસ લગાવવામાં આવી હતી. NIAએ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ હેઠળ ચંદીગઢ અને અમૃતસરમાં પન્નુની સંપત્તિઓ જપ્ત કરી હતી.