સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દાવો સોશિયલ મીડિયા પર અનેક વિદેશી મીડિયા સંસ્થાઓના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ 26 સપ્ટેમ્બરની સાંજથી ગુમ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેનું પેશાવરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની પત્રકારોએ દાવો કર્યો છે કે, હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનું પાકિસ્તાનના પેશાવરમાં અપહરણ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ કાર સવારોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી. ઘણા વિદેશી ટ્વિટર હેન્ડલ્સે પણ આ મામલે દાવો કર્યો છે કે હાફિઝનો પુત્ર ગુમ છે. જે બાદ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIમાં પણ હલચલ મચી ગઈ છે. આતંકવાદીઓ પણ તેને સતત શોધી રહ્યા છે.
હાફિઝ સઈદ પાકિસ્તાની નાગરિક છે અને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત આતંકવાદી છે, જે પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાક એજન્સી ISI ને પણ આશંકા છે કે, જે રીતે ભારતના અનેક ભાગેડુ આતંકવાદીઓ માર્યા ગયા છે. કેનેડા હોય, બ્રિટન હોય કે પાકિસ્તાન. આ દેશોમાં જે રીતે ભારત વિરોધી તત્વો માર્યા ગયા છે તેના કારણે હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની પણ હત્યા થઈ શકે તેવી આશંકા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા હાફિઝ સઈદના ઘરની બહાર વિસ્ફોટ થયો હતો. ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્લાસ્ટ હાફિઝને મારવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે કમાલુદ્દીન સઈદનું અપહરણ કોણે કર્યું છે. જોકે શંકાની સોય ભારત તરફ પણ છે. ભલે ખુલ્લેઆમ કોઈ કશું બોલતું ન હોય, પરંતુ ISI ભારતીય ગુપ્તચર સંસ્થા RAW પર શંકાશીલ છે. પરંતુ, પુરાવા વિના આંગળીઓ ચીંધી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ખાલિસ્તાન સમર્થકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે પણ શંકાની સોય ભારત તરફ તાકી હતી.





