કોરોનાકાળ બાદ ગુજરાત સહીત દેશભરમાં યુવા વર્ગમાં હાર્ટએટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ચાલુ વર્ષે રાજયમાં દર કલાકે હાર્ટ (હૃદય)ઈમરજન્સીનાં સાત કેસો નોંધાતા હોવાનું જાહેર થયુ છે. 108 ઈમરજન્સી સર્વીસનાં ડેટાનાં વિશ્ર્લેષણનાં આધારે આ તારણ નીકળ્યુ છે.
25 મી સપ્ટેમ્બર સુધીમાં ચાલુ વર્ષે 108 ઈમરજન્સી સેવાને હૃદયરોગ સંબંધી ઈમરજન્સીનાં 46155 કોલ મળ્યા હતા જે દરરોજનાં સરેરાશ 173 તથા પ્રતિ કલાક સાત થવા જાય છે.2022 ના આખા વર્ષમાં હૃદયરોગ સંબંધી ઈમરજન્સીના 49321 કોલ મળ્યા હતા જે દરરોજના સરેરાશ 135 તથા પ્રતિકલાક 516 હતા. આમ ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકની સંખ્યામાં વધારો છે.
અમદાવાદ શહેરમાં જ હૃદયરોગ સંબંધી બિમારીઓનાં કેસ 30 ટકા વધ્યા છે. ચાલુ વર્ષે દરરોજ સરેરાશ પર કોલ નોંધાયા છે જે ગત વર્ષે 40 હતા. ચોંકાવનારી બાબત એ છે કે હાર્ટ ઈમરજન્સી કોલના આ કેસમાં અર્ધોઅર્ધ દર્દી યુવા વર્ગનાં 50 વર્ષથી ઓછી વય ધરાવતાં હતા જયારે 25 ટકાની ઉંમર 21 થી 40 વર્ષની જ હતી. છેલ્લા કેટલાંક વખતથી યુવાઓમાં હાર્ટએટેકથી અચાનક મોતના વધતા કિસ્સા વચ્ચે આ તારણ પર ચિંતા સર્જનારૂ છે. ગુજરાતમાં છેલ્લા આઠ દિવસમાં યુવા વર્ગમાં અચાનક મોતના સાત કિસ્સા નોંધાયા છે.
નિષ્ણાંત તબીબોના કહેવા પ્રમાણે કલીનીક-હોસ્પીટલમાં પણ સમાન ચિત્ર ઉપસી રહ્યું છે. દશકા અગાઉ સામાન્ય રીતે 60 થી 65 વર્ષની વય જુથના લોકોને જ પ્રથમ વખત હૃદયની બિમારી માલુમ પડતી હતી હવે દાયકો ઘટી ગયો છે અને 50 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો હૃદયની બિમારી ધરાવતા થઈ ગયા છે. આ પાછળનૂં કારણ બહાર જમવાનો વધતો ટ્રેંડ, કસરત વ્યાયામ માટે સમય ન ફાળવવો કે કોઈ શારીરીક પ્રવૃતિ ન કરવી. મેદસ્વીતા છે. આ પ્રકારની જીવનશૈલીથી હાઈપર ટેન્શન તથા ડાયાબીટીસનો પ્રવેશ થાય છે અને ત્યારબાદ હૃદયરોગ સર્જાય છે.
કોવીડ તથા તેની રસીને કારણે હૃદયરોગનાં કિસ્સા વધ્યાનું તબીબો નકારી જ રહ્યા છે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે હાર્ટએટેક માટે કોઈ એક નહિં અનેક કારણો જવાબદાર હોય છે. શારીરીક જીન્સ તથા લાઈફસ્ટાઈલ સુધીના કારણો જવાબદાર છે. સ્થાનિક હૃદયરોગ નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે હૃદયરોગના દર્દીઓની સંખ્યા કે અચાનક મોતનાં કિસ્સા વધ્યાનું માલુમ પડયુ છે પરંતુ પારિવારીક ઈતિહાસ, પર્યાવરણ, વ્યસન-જીવનશૈલી જેવા પાસાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવતુ નથી. નિષ્ણાંતો એવુ સુચવી રહ્યા છે કે હૃદયરોગ સંબંધી વહેલા સંકેતો મળી શકે તે માટે સરકારે શાળા આરોગ્ય ચકાસણીનાં ડેટાનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી હાર્ટ એટેકને પ્રાણઘાતક બનતા અટકાવી શકાય.