પાદરામાં ઇદના ઝુલુસ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં 40 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કરતા વિવાદ ઉભો થયો હતો તે પછી પથ્થરમારો થયો હતો.
પાદરામાં ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક લોકો દ્વારા વાંધાજનક ઇશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરવામાં આવતા મામલો બીચક્યો હતો. શુક્રવાર સાંજે ઝુલુસમાં નીકળેલા યુવાનોએ ઉશ્કેરણીજનક શબ્દો સાથે ધમકી આપી હતી. બીજી તરફ પથ્થરમારો થતા હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વિવાદ વધતા જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પણ પાદરા આવી ગઇ હતી.
પાદરામાં ગત મોડી રાત્રે બનેલા બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઇદના ઝુલુસ દરમિયાન કેટલાક યુવકો તલવારબાજી કરતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે આ ઘટનાને લઇને 22 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કર્યા હતા અને 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી હતી. બીજી તરફ પોલીસે અન્ય 40 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ માહોલ ના બગડે તે માટે પેટ્રોલિંગ પણ વધાર્યું હતું.





