ભારતની યજમાની હેઠળ યોજાવવા જઇ રહેલા આઇસીસી વન ડે વર્લ્ડકપ શરૂ થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કરથી શરૂ થશે. આ મુકાબલાના એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ કલાકારો પરફોર્મ કરતા જોવા મળશે.
ગાયક– અરિજિત સિંહ, શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, આશા ભોસલે, બોલિવૂડ એક્ટર– રણવીર સિંહ, તમન્ના ભાટિયા ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મન્સ કરશે. વર્લ્ડકપના ઉદ્દઘાટન સમારંભ માટે તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 4 ઓક્ટોબરે સાંજે 7 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઉદ્દઘાટન સમારંભનો પ્રારંભ થશે. જોકે, આ અંગે હજુ સુધી બીસીસીઆઇ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વર્લ્ડકપની ઓપનિંગ સેરેમનીમાં તમામ 10 ટીમના કેપ્ટન હાજર રહેશે. જે ફેન્સે પ્રથમ મેચની ટિકિટ ખરીદી છે તે જ આ કાર્યક્રમમાં સામેલ થઇ શકશે. ફેન્સ સમારંભમાં લેસર શો અને આતષબાજીની મજા પણ માણશે.





