2 ઓક્ટોબરે દેશમાં ગાંધી જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી મનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે બન્ને નેતાઓને યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કેવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના વિકાસ અને ભલાઇ માટે કામ કર્યું. પીએમ મોદીએ ગાંધીજીના શિક્ષણને પોતાના જીવનમાં અપનાવવા અને તેનાથી પ્રેરિત થવાની વાત પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું, “ગાંધી જયંતિના વિશેષ અવસર પર હું મહાત્મા ગાંધીજીને નમન કરું છું. તેમના ઉપદેશો આપણા માર્ગને પ્રકાશિત કરતા રહે છે. મહાત્મા ગાંધીની અસર વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરુણાની ભાવનાને આગળ વધારવા પ્રેરિત કરે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરીએ. તેમના વિચારો દરેક યુવાનને તે પરિવર્તનના એજન્ટ બનવા સક્ષમ બનાવે જેનું તેમણે સપનું જોયું હતું.”
પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, “લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર યાદ કરો. તેમની સાદગી, રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’નું પ્રતિકાત્મક આહ્વાન આજે પણ પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. આપણે હંમેશા મજબૂત ભારત માટે તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીએ.”





