ગુજરાત વિમાની સેવા પુરી પાડતી વેંચુરા એર કનેકટ એર લાઇન્સનાં 9 સીટરનાં સીંગલ એન્જીનવાળા વિમાનના ટાયર ડેમેજ થવાની ઘટનામાં વધારો થયો છે. સવારે સુરત એરપોર્ટ ઉપર અમદાવાદથી આવેલ વિમાનનું સફળતાપૂર્વક લેન્ડીંગ થયા બાદ એક ટાયરમાં હવા નીકળી જતાં વિમાનને થંભાવી દેવામાં આવ્યું છે. જો કે લેન્ડીંગ થયા બાદ ટાયરમાંથી હવા નીકળી જતાં અકસ્માત ટળ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ વેંચુરા એર કનેકટનું વિમાન અમદાવાદથી સુરત પરત ફર્યા બાદ ટાયરમાં હવા નીકળી ગયાનું જણાતા વિમાનને ટોય કરીને એપ્રોન પર મુકી દેવાયું હતું. સદભાગ્યે અકસ્માત ટળ્યો હતો જેના લીધે આજની સુરતથી રાજકોટ, અમરેલી, ભાવનગરની સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી. બંને વિમાનોના ટાયરોની ચકાસણી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.22મી સપ્ટેમ્બરે સુરતનાં રન-વે પર લેન્ડીંગ સમયે વિમાનનું ટાયર ફાટતા મુસાફરોનો બચાવ થયો હતો ત્યારબાદ સોમવારે ફરી સુરત એરપોર્ટમાં લેન્ડીંગ બાદ ટાયરની હવા નીકળી જતાં ટાયરોની ચકાસણી માટે સોમવારે તમામ સેકટરોની સેવા સ્થગિત કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.





