મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 12 નવજાત સહિત 24 લોકોના મોત થયા છે. આ ઘટનાને લઇને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શરદ પવાર સહિતના કેટલાક નેતાઓએ શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે. શરદ પવારે કહ્યું કે, આ ઘટનાએ સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો છે, સરકારની જવાબદારી છે કે તે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે. બીજી તરફ પ્રિયંકા ચતુર્વેદીએ આ તમામ મોતને શરમજનક ગણાવી હતી અને કહ્યું કે આ મર્ડર છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યુ, “દવાઓની કમીને કારણે મહારાષ્ટ્રમાં 12 શિશુ સહિત 24 દર્દીના મોતના દુ:ખદ સમાચાર મળ્યા છે. ઇશ્વર સ્વર્ગીય આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઉંડી સંવેદના. જવાબદાર લોકો પર કડક કાર્યવાહી થાય અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.”
શિવશેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સરકાર પર પ્રહાર કરતા એક્સ પર લખ્યુ, “કૃપયા તેને મોત ના કહો, આ ગેરબંધારણીય સરકાર તરફથી કરવામાં આવેલી બેદરકારીને કારણે હત્યા છે. રાજ્ય સરકાર અલગ અલગ કાર્યક્રમો અને વિદેશ યાત્રાઓના પ્લાનિંગમાં વ્યસ્ત છે. તે ભૂલી ગયા છે કે તેમનું કામ રાજ્યની સેવા કરવાનું છે.” કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યુ, “નાંદેડ, મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દવાઓની કમીને કારણે 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતના સમાચાર અત્યંત દુ:ખદ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂં છું. ભાજપ સરકાર હજારો કરોડ રૂપિયા પોતાના પ્રચારમાં ખર્ચ કરે છે પણ બાળકોની દવા માટે પૈસા નથી? ભાજપની નજરમાં ગરીબોના જીવનની કોઇ કિંમત નથી.”
શરદ પવારે કહ્યું, “નાંદેડની એક સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. ઘટનામાં 12 નવજાત શિશુઓના પણ જીવ ગયા છે. આ ચોકાવનારી ઘટના છે. ઠાણેના કલવા હોસ્પિટલમાં પણ આવી જ ઘટના બની હતી અને હવે ઘટનાને ગંભીરતાથી ના લેવાને કારણે નાંદેડમાં 24 લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા છે. શરદ પવારે આગ્રહ કર્યો કે તે દર્દીઓના જીવની ચિંતા્ કરે અને જલ્દી યોગ્ય પગલા ભરે.”




