મહારાષ્ટ્રમાં નાંદેડમાં એક સરકારી હૉસ્પિટલમાં મૃતકોનો આંકડો ફરી વધ્યો છે. નાંદેડમાં સરકારી હૉસ્પિટલમાં વધુ 4 બાળક સહિત સાત દર્દીના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 31 પર પહોંચી ગયો છે. સરકારી હૉસ્પિટલમાં કુલ 16 નવજાત બાળકોના મોત થયા છે.
મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હૉસ્પિટલના ડીને આ ઘટના માટે દવા અને હોસ્પિટલમાં કર્મચારીઓની કમીને જવાબદાર ઠેરવી છે. શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના ડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં થયેલા 24 મોતમાં 12 લોકોના મોત અલગ અલગ બીમારી (મોટાભાગે સાંપ કરડવાથી) થયા છે. આજે વધુ 7 લોકોના મોત થતા બે દિવસમાં મૃતકોની સંખ્યા 31 પર પહોંચી ગઇ છે.
મહારાષ્ટ્રમાં નાંદેડની એક સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઇને મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. કેબિનેટ આ ઘટનાને લઇને તપાસ સમિતિ બનાવવા પર નિર્ણય કરી શકે છે. નાંદેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોત પછી રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને શરદ પવાર સહિતના નેતાઓએ આ ઘટના માટે શિંદે સરકારને જવાબદાર ગણી હતી. NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ ઘટના સરકારી પ્રણાલીઓની નિષ્ફળતાને ઉજાગર કરે છે .






