પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ
દહેગામમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટર આગળ ગણેશ પંડાલ પાસે કાર પાર્કિંગ કરવાને લઈને થયેલ અથડામણ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ મુખ્ય આરોપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જોકે, દહેગામ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ રાયોટીંગ અને હત્યાના પ્રયત્નના ગુનામાં સંડોવાયેલા પાંચ ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય આરોપીની પણ દહેગામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગણપતિ મહોત્સવ દરમિયાન દહેગામના સરદાર શોપિંગ સેન્ટર ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર પાર્કિંગને લઈને ખરાબ થયા બાદ મામલો જૂથ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. આ ગુનામાં સંડોવાયેલ જીગર લક્ષ્મણભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓને ચકમો આપીને જીગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી ફરાર થઈ ગયો હતો. જેને લઈને પોલીસ સ્ટેશનના પીઆઇ બીબી ગોયલ દ્વારા પોલીસની જુદીજુદી ટીમો બનાવી આરોપીની સઘન શોધખોળ શરૃ કરવામાં આવી હતી.
બાતમી મળી હતી કે આરોપી જીગર મુંબઈ ભાગી ગયો છે. જેથી દહેગામ પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી અને ત્યાંથી જીગરની અટક કરીને તેને દહેગામ લઈ આવી હતી. રાયોટીંગના આ ગુનામાં પોલીસે જીગર લક્ષ્મણભાઈ રાઠોડ, દિલીપસિંહ રતનસિંહ પરમાર, તિલક રણછોડભાઈ રાઠોડ, અશ્વિન પ્રવીણભાઈ જોષી તેમજ પ્રથમ પુરુષોત્તમભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આ આરોપીઓ અગાઉ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં આ તમામ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.





