ભાવનગર, તા.૪
ગારીયાધાર ખાતે વણકરવાસમાં રહેતા અને ઝઘડો કરી મારામારી કરી રહેલા પિતા પુત્રને માનવતાના ધોરણે છોડાવવા ગયેલ પાડોશી યુવાનને છરીના ઘા ઝીકી હત્યા કરવાના કેસમાં આજે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપી પુત્રને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની શખ્ત કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજથી સવા વર્ષ પુર્વે ગારિયાધારના આશ્રમરોડ પર આવેલ વણકરવાસમાં રહેતા પ્રદિપભાઇ મોહનભાઈ જામલીયા ઉ.વ.૨૩ તેના પિતા મોહનભાઈ સાથે ઝઘડો કરી રહ્યો હતો. અને મારામારી કરવા લાગ્યો હતો. આથી તેની પાડોશમાં રહેતા વિજયભાઈ સુરેશભાઈ વણજારા આ દ્રશ્ય જોઇને માનવતાના ધોરણે ઝઘડો અને મારામારી કરતા પિતાપુત્રને છોડાવવા ગયેલ અને પિતાને માર મારતા પ્રદિપને કહેલ કે તારા પપ્પા છે.તેને મરાય નહી. તેમ કહેતા આરોપી પ્રદિપભાઇએ તુ કોણ મને કહેવા વાળો, આ મારા ઘરનો પ્રશ્ન છે. તુ જતો રહે તેમ કહી પ્રદિપે તેના પિતા મોહનભાઇને તેની પાસે રહેલી છરીનો ઘા ઝિકી દેતા વિજયભાઈ વણજારાએ તેને ના પાડતા ઉશ્કેરાયેલા પ્રદિપે વિજયને પણ સાથળમા ગુપ્ત ભાગ પાસે છરીનો ઘા ઝીકી ઇજા કરી નાસી છુટ્યો હતો.
ગંભીર રીતે ઇજા પામેલ વિજયભાઈ વણઝારાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થતા વિજયના પિતા સુરેશભાઈએ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પ્રદિપને ઝડપી લીધો હતો. આ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા સાક્ષી, આધાર, પુરાવા અને સરકારી વકીલ એમ.આર. જોશીની દલીલો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ. પીરજાદાએ ગુનો સાબિત માની આરોપી પ્રદિપને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. અને રૂ.૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો