‘‘કુપોષણમુક્ત ભારત અભિયાન’’ અન્વયે બાળકોને કુપોષણથી મુક્ત કરવા રાજકોટ જિલ્લામાં આઠ બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (C.M.T.C.) – શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ ૩૨ બાળકોને પોષણયુક્ત આહાર સાથે સઘન સારવાર અપાઈ રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુટુંબ કલ્યાણ શાખાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, તા.૧૭ સપ્ટેમ્બર પહેલા રાજકોટ જિલ્લામાં કુલ 3 (C.M.T.C.) બાળ સેવા કેન્દ્રો કાર્યરત હતા. પરંતુ રાજકોટ જિલ્લામાં દરેક તાલુકા દીઠ એક C.M.T.C. હોવું જોઇએ એવા ધ્યેય સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન તથા સી.ડી.એચ.ઓ. ડૉ. નિલેશ રાઠોડના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં હાલ એક-એક (C.M.T.C.) બાળ સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે તા ૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર, કુવાડવા અને પડધરી ખાતે નવા ૩ (CMTC) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી ઓક્ટોબરે બીજા નવા પાંચ (CMTC) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વિંછિયા, ભાયાવદર, લોધિકા, કોટડા સાંગાણી અને જામકંડોરણાનો સમાવેશ થાય છે. આમ હાલ રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં ૧-૧ મળી કુલ ૧૧ (CMTC) બાળ સેવા કેન્દ્રો જ્યારે એક (N.R.C.) ન્યુટ્રીશનલ રીહેબિટેશન સેન્ટર કેન્દ્ર પી.ડી.યુ. હોસ્પિટલ-રાજકોટ ખાતે કાર્યરત છે. તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલા ૩ C.M.T.C.માં કુલ ૧૩ બાળકો જ્યારે બીજી ઓક્ટોબરના રોજ શરૂ કરાયેલા નવા પાંચ C.M.T.C.માં હાલ ૧૯ બાળકો સારવાર હેઠળ છે. આમ જિલ્લામાં કુલ ૧૧ (CMTC) બાળ સેવા કેન્દ્રોમાં કુલ ૩૨ બાળકો સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, C.M.T.C. બાળ સેવા કેન્દ્રોમાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી એડમિશન આપીને સારવાર અને યોગ્ય પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. એડમિશન દરમિયાન બાળકની સાથે આવેલા તેના એક વાલીને પણ રહેવા અને જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ બાળકોને કુપોષણમુક્ત કરવાનો છે.