અમદાવાદ
અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાવા જઈ રહી છે, ત્યારે પ્રથમ મેચમાં અગાઉની IPL ટીમ સામે જે પ્રકારનો બંદોબસ્ત હતો તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ લોકોને અવ્યવસ્થા ન સર્જાય અને સુરક્ષાનું તેટલું જ પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મેચ મેચ નિહાળવા આવતા દર્શકો માટે પણ કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. દર્શકો સ્ટેડિયમમાં દેશનો ઝંડા લઈ જઈ શકશે પરંતુ સ્ટીક નહીં તેમજ પાણીની બોટલ અને નાસ્તો લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે વર્લ્ડ કપની પહેલી મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા અને ચોકસાઈ રાખવા પર પોલીસ દ્વારા મહત્વ આપવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનર દ્વારા કોઈપણ જગ્યાએ કચાશ ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે એડિશનલ કમિશનરથી લઈને છેક હોમગાર્ડ સુધીની આખી લેયર ગોઠવી દેવામાં આવી છે. મેટ્રો સ્ટેશનથી લઈને ગ્રાઉન્ડના ખુરશી સુધી દર્શકો પહોંચે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ VVI માટેની તેમજ વિદેશી નાગરિકો માટે પણ સુરક્ષા-વ્યવસ્થા માટે સુચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક જણાવ્યું હતું કે, આજે અમદાવાદમાં રમાવાની મેચને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. બંદોબસ્ત માટે 3 એડીશનલ કમિશનર, 18 ACP, 13 DCP અને કોન્સટેબલથી લઈને આશરે 3 હજારથી ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ પણ રહેશે. આ સાથે અમુક ટ્રાફિક ડાયવર્ઝન કર્યા છે, તેની માહિતી સોશિયલ મીડિયા તેમજ વેબસાઈટ પર આપી છે. આ સિવાય ખાણીપીણીની વસ્તુ કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે. લેઝર લાઈટ વગેરે પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે કોઈપણ માણસ ધમકીઓ આપે કે ફોન કરે તેવા લોકોને ડરવાની જરુર નથી ચેકીંગ પણ સતત ચાલુ જ રહેશે.