ભારતમાં પ સપ્ટેમ્બરે શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ અને વિશ્વમાં ૫(પાંચ) ઓક્ટોબરને “વિશ્વ શિક્ષક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય “વિશ્વના શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા, મૂલ્યાંકન અને સુધારણા” પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ત્યારે રાજકોટ જિલ્લાના એક અનોખા શિક્ષકને મળીએ કે જેઓ પોતાની શાળામાં બાળકોને માત્ર શાળાનું જ શિક્ષણ નહીં પરંતુ જીવનનો એક મહત્વનો પાઠ પણ શીખવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીંસરડા આજી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુભાષભાઈ રાઠોડ વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. તેઓ પોતે પોતાની જમીન પર પ્રાકૃતિક ખેતી દ્વારા જ શાકભાજી ઉગાડે છે. અને એક શિક્ષક તરીકે શાળામાં માત્ર અભ્યાસક્રમના પાઠો નહીં પરંતુ બાળકોને પ્રાકૃતિક ખેતીના પાઠો પણ શીખવે છે. આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે ત્યારે ભારતનું ભવિષ્ય ઉત્તમ શિક્ષણ સાથે સ્વસ્થ હોય તો જ તે ભારતના વિકાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકશે. મારા તમામ બાળકો હંમેશા સ્વસ્થ જીવે તે માટેનું શિક્ષણ પણ અમે શાળામાંથી જ તેમને શીખવી રહ્યા છીએ. સુભાષભાઈ અગાઉ સાંગણવા પ્રાથમિક શાળા, લોધિકા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં પણ તેમણે શાળામાં બાળકોને પ્રાકૃતિક ખેતીના પાઠ શીખવ્યા છે અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા માટે ઉત્તમ બીજ અને જીવામૃત આપવા ઉપરાંત, પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન પણ આપતા રહે છે. શાળાના કિચન ગાર્ડનમાં સુભાષભાઈ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સાથે મળી અનેક વેલાના શાક, વિવિધ ભાજીઓ, ઔષધીય છોડ વગેરે ઉછેર્યા છે. સુભાષભાઈને અગાઉ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ એનાયત થયેલ છે ત્યારે આવા અનોખા શિક્ષકના શિક્ષણ થકી બાળકો માત્ર ગોખેલું કે વાંચેલું જ્ઞાન નહીં પરંતુ જીવનનું ઉત્તમ જ્ઞાન મેળવી રહ્યા છે. તેઓ એક શિક્ષક તરીકેની સાચી સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.