મહાદેવ બેટિંગ એપ કેસમાં બોલિવૂડના જાણીતા સ્ટારના નામ સામે આવી રહ્યા છે. કોમેડિયન સ્ટાર કપિલ શર્મા અને હુમા કુરેશી અને હિના ખાનના નામે બહાર આવ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટકપિલ શર્મા અને હુમા કુરેશીની સમન્સ પાઠવ્યું છે. જોકે, ઈડી ક્યારે પૂછપરછ કરશે તે અંગે ચોક્કસ માહિતી મળી નથી. ગઈકાલે જ ઈડીએ બોલવિૂડના સુપર સ્ટાર અભિનેતા રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું હતું.
બીજી તરફ રણબીર કપૂરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને એક ઇમેઇલ મોકલીને હાજર થવા માટે એક સપ્તાહનો સમય માગ્યો છે. જોકે આ બાબતે હજુ એજન્સીએ કોઈપણ નિર્ણય લીધો નથી. બુધવારે રણબીરને મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ સમન્સ મોકલ્યું હતું. જેમાં પૂછપરછ માટે 6 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું હતું. આ લિસ્ટમાં માત્ર રણબીર કપૂર જ નહીં પણ વધુ 15-20 વધુ સેલેબ્સ છે, જે EDના રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, સની લિયોની, પલકિત સમ્રાટ, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકના નામ સામેલ છે.
‘મહાદેવ ગેમિંગ-બેટિંગ’ એક ઓનલાઈન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્ન ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં થયા હતા. લગ્નમાં 200 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વૈભવી લગ્નનો વીડિયો ભારતીય એજન્સીઓના ધ્યાનમાં આવ્યો છે. લગ્નમાં પરફોર્મ કરવા માટે બોલાવાયેલ તમામ બોલિવૂડ કલાકારો રડાર પર આવી ગયા છે. તાજેતરમાં જ ઈડીએ મુંબઈ, ભોપાલ અને કોલકાતાના હવાલા ઓપરેટરો પર દરોડા પાડ્યા હતા. જેણે આ ઈવેન્ટના પૈસા મુંબઈની ઈવેન્ટ ફર્મને મોકલ્યા હતા. સિંગર નેહા કક્કર, સુખવિંદર સિંહ, એક્ટર ભારતી સિંહ અને ભાગ્યશ્રીને પરફોર્મ કરવા માટે પૈસા અહીંથી આપવામાં આવ્યા હતા.