રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ 2023 મૂકવામાં આવ્યુ હતું.જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન એકટની જોગવાઈઓ આગામી 9 મી ઓક્ટોબરથી લાગુ થનાર છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા,અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.આ એક્ટની જોગવાઈઓથી 11 પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે.
યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે.એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે.જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે અને યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ વિધેયકની જોગવાઈઓના પાલનથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦માં થયેલ સૂચનોનું અમલીકરણ વધુ સારી રીતે થઇ શકાશે. સુયોગ્ય સંકલનથી યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઇ શકાશે. સુગઠિત નાણાંકીય અંકુશ આવશે.વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનાત્મક સંશોધનોને વેગ મળશે અને યુનિવર્સિટીને વધુ ઓટોનોમી પ્રાપ્ત થશે.
આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે.એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્રારા કોલેજના અધ્યાપકો,આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.નવા અભ્યાસક્રમો, સંસાધન અને સંસોધનને વેગ મળશે.