અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. બપોરે 12 વાગ્યાથી પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા. દેશ-વિદેશમાંથી પણ મેચ જોવા માટે લોકો આવી પહોંચ્યા છે. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોકસના ફેન સૌથી વધારે જોવા મળે છે. જ્યારે વિલિયમ્સન ટીમમાંથી બહાર થતાં ચાહકો નિરાશ બન્યા છે.
પ્રથમ વર્લ્ડકપ મેચને લઈને અમદાવાદ મેટ્રો દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે આંતરરાજ્ય ક્રિકેટરસિકો સહિત વિદેશી લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. આજની મેચને લઈને મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફ્લાઈટ, ટ્રેન અને બસના સહારે અમદાવાદ આવી પહોંચેલા ક્રિકેટરસિકો મેટ્રો દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. ત્યારે મેટ્રોમાં ભારે ઉત્સાહ સાથે લોકોનો ધસારો છે. જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમી રહેલી યુવતીઓ પણ મેટ્રો દ્વારા આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા પહોંચી છે. આજની પ્રથમ મેચ માટે ફેન્સ દ્વારા 30થી 45 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી લીધી હતી. આજે મેચ દરમિયાન મેટ્રોમાં પણ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને મોટેરાના વેપારીઓને મોટી ઘરાકી મળી રહી છે.