સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી કહેવામાં આવી રહ્યું છે કે તિસ્તા નદીમાં ફરી પૂર આવી શકે છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે લ્હોનક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂરના કારણે સર્જાયેલ વિનાશમાં અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 103 લોકો લાપતા છે. આર્મી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને ઉત્તર બંગાળના નીચલા ભાગોમાં બીજા દિવસે પણ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ રાખી હતી.
સિક્કિમમાં પૂરના કારણે થયેલી તબાહીને લઈને પ્રશાસને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ડેટાના આધારે એવું માનવામાં આવે છે કે પાણી ઓવરફ્લો થવાને કારણે તળાવ ફાટી શકે છે. જો આમ થશે તો તિસ્તામાં પૂર ફરી એકવાર તબાહી મચાવી શકે છે. સિક્કિમમાં પૂર અને ખરાબ હવામાનને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.