હમાસ અને ઈઝરાયલ વચ્ચે શનિવારે શરૂ થયેલું યુદ્ધ બીજા દિવસે પણ ચાલુ છે. ઈઝરાયલે કહ્યું છે કે રવિવારે થયેલાં યુદ્ધમાં તેમના 30 સૈનિક માર્યા ગયા હતા. એ જ સમયે ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેમની જવાબી કાર્યવાહીમાં અત્યારસુધીમાં 400 હમાસ સૈનિકો માર્યા ગયા છે અને ઘણાને પકડી લેવામાં આવ્યા છે. ભારત સરકારે પોતાના સ્ટુડન્ટ્સને ઈઝરાયલમાંથી બહાર કાઢવાની ખાતરી આપી છે.
બીજી તરફ રવિવારે સવારે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર મોર્ટાર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈઝરાયલે લેબનોન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો હતો. યુદ્ધના બીજા દિવસે ગાઝા બોર્ડર પર તહેનાત ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ નહલ બ્રિગેડના કમાન્ડર સહિત 350 લોકોનાં મોત થયાં છે. યુદ્ધમાં 313 પેલેસ્ટિનિયન પણ માર્યા ગયા છે. ઈઝરાયલમાં 1,864 અને પેલેસ્ટાઈનમાં 1,700થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસે ઈઝરાયલની એશ્કેલોન હોસ્પિટલ પર પણ રોકેટ છોડ્યાં છે.
ઈઝરાયલના ડિફેન્સ ફોર્સના પ્રવક્તા જોનાથન કોનરિકસે એક વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે હમાસના સૈનિકોએ 200થી વધુ ઈઝરાયલીઓને બંધક બનાવ્યા છે, જેમાં મોટા ભાગનાં બાળકો અને મહિલાઓ છે. આ આંકડો પણ વધી શકે છે. તેમણે કહ્યું- હમાસે ઘણી મહિલાઓ અને બાળકોની હત્યા કરી હશે. આ અંગે અમારી પાસે કોઈ નક્કર માહિતી નથી. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં હમાસના સૈનિકો ઈઝરાયલના નાગરિકોને બળજબરીથી વાહનોમાં લઈ જતા જોવા મળે છે. જોકે બીબીસીએ સ્થાનિક મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક બંધકોને બચાવી લેવાયા છે.