ઇઝરાયલમાં હમાસના આતંકીઓએ યુદ્ધ શરૂ કર્યું છે. હમાસના આતંકીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયલ પર મોટી સંખ્યામાં રોકેટથી હુમલા કર્યાં હતા. ઇઝરાયલ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. આ સમયે ઘણા ભારતીય નાગરિક ઇઝરાયલમાં હાજર છે. જાણકારી પ્રમાણે ઇઝરાયલમાં 18 હજાર ભારતીય નાગરિક રહે છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
ભારત સરકાર વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઇઝરાયલ પર હમાસના આતંકવાદીઓના હુમલા પર વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું- મને કાલે રાતથી ઘણા મેસેજ મળ્યા અને અમે કામ કરી રહ્યાં છીએ. મને તે પણ ખ્યાલ છે કે પ્રધાનમંત્રી કાર્યાલય સીધુ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે સતત કામ કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું- પહેલા પણ આંધ્ર પ્રદેશના લોકો સહિત ઘણા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. પછી તે ઓપરેશન ગંગા હોય કે વંદે ભારત, અમે બધાને પરત લઈ આવ્યા અને મને આશા છે કે ભારત સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સીધા તે લોકોના સંપર્કમાં છે. પીએમ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
ઇઝરાયલમાં ફસાયેલા એક ભારતીય વિદ્યાર્થી ગોકુલ મનાવલને સમાચાર એજન્સી એેએનઆઈને જણાવ્યું- હું ખુબ ગભરાયેલો અને ડરેલો છું. એટલું સારૂ છે કે અમારી પાસે આશ્રય સ્થળ અને ઇઝરાયલી પોલીસ દળ છે. હજુ સુધી અમે સુરક્ષિત છીએ. અમે ભારતીય દૂતાવાસના સંપર્કમાં છીએ, અમારી પાસે એક મોટો ભારતીય સમુદાય છે અને અમે જોડાયેલા છીએ. ભારતીય દૂતાવાસના સૂત્રોએ જણાવ્યું કે તે 24 કલાક નાગરિકો માટે ઉપલબ્ધ છે અને સક્રિય રૂપથી તેનું માર્ગદર્શન કરી રહ્યાં છે.






