ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જેમા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે માત આપી વર્લ્ડ કપ 2023 ની પહેલી જીત હાંસિલ કરી લીધી છે. આ મેચને જોવા માટે દર્શકો મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈના ભરચક સ્ટેડિયમમાં એક વ્યક્તિ અચાનક મેદાનમાં કૂદી પડ્યો હતો. ભારતીય જર્સી પહેરીને મેદાનમાં દોડી આવેલા શખ્સનું નામ ડેનિયલ જાર્વિસ છે.
જે સમયે ઓસ્ટ્રેલિયન ટીમની ઈનિંગ ચાલી રહી હતી ત્યારે મેદાન પર કંઈક એવું બન્યું જેના કારણે રમત થોડો સમય બંધ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે Jarvo મેદાનમાં દોડી આવ્યો હતો. જોકે, તે ખેલાડીઓ સુધી પહોંચે તે પહેલા જ સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધો હતો. ક્રિકેટ રસીકો Jarvo ને જાણતા જ હશે, આ વ્યક્તિનું નામ ડેનિયલ જાર્વિસ છે. તેને ‘Jarvo 69’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સમગ્ર કિસ્સા બાદ ICC ખૂબ જ ગુસ્સામાં છે. હવે તેણે Jarvo સામે મોટી કાર્યવાહી કરી છે. ICC એ Jarvo ને ટુર્નામેન્ટમાં આગળની મેચોમાં દેખાવા પર પ્રતિબંધ મૂક્યો છે. મોટો સવાલ એ છે કે તે ખાસ લોકો માટે આરક્ષિત જગ્યાએ કેવી રીતે પહોંચ્યો. તે કેવી રીતે અનેક સુરક્ષા કોર્ડન તોડીને ‘ફ્લોર ઓફ પ્લે ’ માં પ્રવેશ્યો?