વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તનાવભરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ વિજય હાંસલ કરીને આત્મવિશ્વાસથી સભર બનેલી ભારતીય ટીમ બુધવારે 11મી ઓક્ટોબરે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાનનો મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે રોહિત શર્માની ટીમ સતત બીજો વિજય હાંસલ કરવાના તમામ પ્રયાસ કરશે.
કોટલાની પિચ ધીમી તથા સ્પિનર્સ માટે સ્વર્ગસમી છે. ગયા સપ્તાહે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં 700 પ્લસ રન નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયા સામે ઇશાન કિશન અને શ્રોયસ ઐયર બિનજવાબદાર શોટ્સ રમીને આઉટ થયા હતા. ગિલની ગેરહાજરીમાં ઇશાનને વધુ એક તક મળશે. અફઘાનિસ્તાનના બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટ્સમેનોને વધારે કોઈ મુશ્કેલી નડે તેમ લાગતું નથી પરંતુ રોહિત શર્માની ટીમ હરીફને કોઈ પણ સંજોગોમાં હળવાશથી લેવા માગશે નહીં. કોટલાનું મેદાન નાનું હોવાના કારણે વધુ એક મેચમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલે તેવી સંભાવના છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાના હોમગ્રાઉન્ડમાં રમી રહ્યો હોવાના કારણે તે પોતાના નામથી બનેલા પેવેલિયનની સામે મોટી ઇનિંગ રમીને સમર્થકોને યાદગાર ભેટ આપવાનો પ્રયાસ કરશે.