કલા અને સંસ્કૃતિ નગરી તરીકે સુખ્યાત ભાવનગરે અનેક કલાકારોની ભેટ આપી છે. અનેક કલાકારો ભાવનગરથી બહાર જઇ ત્યાં સ્થાઇ થઇ પોતાની પ્રતિભાના જારે નામ મેળવી ચુક્યા છે તો કેટલાક ભાવનગરમાં જ રહી પોતાની પ્રસ્તુતિ અને પ્રતિભાને કારણે ખ્યાતી મેળવી ચુક્યા છે. આ યાદી લાંબી થઇ શકે પરંતુ આવા કલાકારોની યાદીમાં એક નામ ઉમેરાવા જઇ રહ્યું છે અને તે છે રૂજીતા ભાયાણી.
કલા અને સંસ્કૃતિના પારખુ, પોતે પણ કલાકાર, વોઇસ ઓફ હેમંતકુમાર, બોટાદથી ભાવનગર આવી ‘સંસ્કૃતિ મ્યુઝિયમ’ દ્વારા સાંસ્કૃતિક વારસાની ખેવના કરનાર નયનભાઇ ભાયાણીની પુત્રી રૂજીતા ભાયાણી બાળપણથી જ સંગીતમાં રૂચી ધરાવે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં તેણે પોતાની પ્રતિભાના જારે કલાનગરીને મક્કમ પગલે આગેકુચ કરી છે. ઇન્ટરનેશનલ કલાકારો સાથેના મ્યુઝિકલ શોમાં કો-સિંગર (સહગાયિકા) તરીકે પ્રસ્તુતિ કરી તાળીઓ અને વન્સમોર મેળવનાર રૂજીતા હવે પોતાનો અલાયદો શો કરી શકે તેવી સક્ષમ બની છે.
તાજેતરમાં મેઘાણી ઓડિટોરીયમ ખાતે સુર સંસ્કૃતિ ગ્રુપ દ્વારા આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામમાં રૂજીતા ભાયાણીનું પોતાની પ્રસ્તુતિ દ્વારા પ્રતિભાને સાબિત કરી હતી. ઇન્તેકામ ફિલ્મનું ‘આ જાને જાં’ જ્વેલથીફ ફિલ્મનું ‘હોટો પે એસી બાત મે’ ગીત દ્વારા પક્કડ જમાવી શરાબીના ‘ઇન્તેહા હો ગઇ’માં ઓ મેરે સજના… દ્વારા રૂજીતાએ પોતાના રીયાઝ અને સમજને સાબિત કરી હતી તો આર.ડી. બર્મનના ગીતોની મેલોડી દ્વારા પોતાની રેન્જને પૂરવાર કરી હતી. ભાવનગરની આ રૂજીતા ભાયાણી ધીમે પરંતુ મક્કમ ચાલે આગળ વધી રહી છે ત્યારે તેની પાસે કલાનગરીને મોટી આશા છે.