અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બે કેમિકલના મોટા ગજાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમોએ 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં 20થી વધુ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. એક સાથે 20થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.