બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘OMG-2’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જો કે, રિલીઝ પહેલા ફિલ્મ કેટલાક વિવાદોમાં પણ સપડાઈ હતી, જેના કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ તેમાં 27 જેટલા કટ કરવા કહ્યું હતું, કટ કર્યા બાદ ફિલ્મ રિલીઝ થઈ શકી હતી. જો કે, એવી અટકળો હતી કે, ફિલ્મનું અનકટ વર્ઝન ઓટીટી પર રિલીઝ થઈ શકે છે, પરંતુ એવું થયું નથી. હવે અક્ષય કુમારે આ મામલે મોસમોટો ખુલાસો કર્યો છે.
ફિલ્મને ‘એ સર્ટિફિકેટ’ મળવા પર અક્ષયે કહી હતી આ વાત
એક ખાનગી મીડિયા સાથે વાત કરતા ખેલાડી કુમારે કહ્યું હતું કે, ‘ઓએમજી-2ની આખી ટીમ ચોંકી ગઈ, જ્યારે CBFCએ 27 કટની ભલામણ કરી અને ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું.’ અક્ષય આગળ કહે છે કે, ‘મેં સેક્સ એજ્યુકેશન પર એક ફિલ્મ બનાવી અને પછી એક સમસ્યા સર્જાતા તેને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મેં બાળકો માટે આ ફિલ્મ બનાવી હતી, પરંતુ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મને તેના માટે A પ્રમાણપત્ર મળ્યું. બાળકોએ આ જોવું જોઈએ! આપણી વસ્તી 1.5 અબજ છે, શું તમને નથી લાગતું કે, આપણને સેક્સ એજ્યુકેશનની જરૂર છે?’
‘OMG 2’નું અનકટ વર્ઝન આ કારણોસર નથી આવ્યું
અક્ષય આગળ કહ્યું કે, ‘ફિલ્મ નેટફ્લિક્સ પર છે અને લોકો કહી રહ્યા હતા કે, આપણે તેનું અનકટ વર્ઝન રિલીઝ કરવું જોઈએ, પરંતુ સેન્સર બોર્ડના આદેશને કારણે મેં તેમને સ્પષ્ટપણે ના કહી દીધું. મેં કહ્યું હતું કે, સેન્સર બોર્ડ દ્વારા અમને આપવામાં આવેલી સંપાદિત નકલ જ અમે બતાવીશું. મેં તેનો આદર કર્યો અને તેમણે અમને આપેલા કટ સાથે અમે આગળ વધ્યા. તમને જણાવી દઈએ કે, OMG 2 ફિલ્મ Netflix પર 7 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.