ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ભારત પોતાના નાગરિકોની તેમના વતન સુરક્ષિત વાપસી માટે અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ અભિયાનને ‘ઓપરેશન અજય’નામ આપવામાં આવ્યું છે. ઓપરેશન અજય અંતર્ગત ભારતથી પ્રથમ ફ્લાઈટ આજે ઈઝરાયેલ માટે રવાના થશે. ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે કહ્યું કે પ્રથમ ફ્લાઈટમાં રજીસ્ટર્ડ લોકોની માહિતી ઈમેલ કરવામાં આવી છે. અન્ય રજિસ્ટર્ડ લોકોની માહિતી આગામી ફ્લાઇટ માટે મોકલવામાં આવશે.
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલમાં 18,000 ભારતીયો રહે છે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. ઇઝરાયલ પહોંચેલા ભારતીય પ્રવાસીઓએ દૂતાવાસને સલામત સ્થળાંતર માટે અપીલ કરી છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા આપણા નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ માટે ખાસ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.