ઝારખંડના રાંચીમાં 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) પહેલા અનુભવી મિડફિલ્ડર સુશીલા ચાનુને ઈજાના કારણે આરામ આપવામાં આવ્યો છે. તેણીને 20 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રિયો ઓલિમ્પિકમાં ભારતનું નેતૃત્વ કરનાર સુશીલા તાજેતરમાં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતી. હોકી ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું કે, સુશીલા ટૂંક સમયમાં ડૉક્ટરને મળીને તેની ઈજાની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સુશીલાને ઈજા થઈ હોવાથી આરામ આપવામાં આવ્યો છે. સુશીલા ટીમની મહત્ત્વની સદસ્ય છે અને આગામી ટુર્નામેન્ટ પહેલા તેનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. સુશીલાની જગ્યાએ બલજીત કૌરને ટીમમાં સામેલ કરવામાં આવી છે. એશિયન ગેમ્સની ટીમમાં સામેલ વૈષ્ણવી વિઠ્ઠલ ફાલકેને શર્મિલા દેવીની સાથે બેકઅપ વિકલ્પ તરીકે રાખવામાં આવી છે. સુશીલા સિવાય ગોલકીપર સવિતાના નેતૃત્વમાં ટીમમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા પહેલાની જેમ જ ટીમના વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.
27મીએ થાઈલેન્ડ સામે પ્રથમ મેચ
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા, કોરિયા અને થાઈલેન્ડ અન્ય ભાગ લેશે. ભારત 27 ઓક્ટોબરે થાઈલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી તે મલેશિયા (28 ઓક્ટોબર), ચીન (30 ઓક્ટોબર), જાપાન (31 ઓક્ટોબર) અને કોરિયા (2 નવેમ્બર) સામે મેચ રમશે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ યાનેક શોપમેને કહ્યું હતું કે, ‘મોમેન્ટમ જાળવી રાખવું અને ટીમ તરીકે સતત સુધારો કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આગામી ટુર્નામેન્ટમાં અમને અમારા એશિયન હરીફો સામે અમારી સ્થિતિ સુધારવાની વધુ એક તક મળશે.