કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરૂખ ખાન અને કાજોલ દ્વારા રાહુલ ખન્ના અને અંજલિ શર્માનો કિરદાર ભજવવામાં આવ્યો હતો. આ ફિલ્મ 16 ઓક્ટોબર, 1998ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાણી મુખર્જીએ પણ શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મને હવે 16 ઓક્ટોબરે 25 વર્ષ પૂરા થશે. આવી સ્થિતિમાં, મેકર્સ શાહરૂખ, રાણી મુખર્જી અને કાજોલના ચાહકો માટે એક ખાસ ઓફર લાવ્યા છે.
‘કુછ કુછ હોતા હૈ’ ફરીથી થશે રિલીઝ
કરણ જોહરે ‘કુછ કુછ હોતા હૈ’થી નિર્દેશક તરીકે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ તેની પ્રથમ ફિલ્મ હતી અને જે સુપરહિટ સાબિત થઈ હતી. લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ જોવા મળે છે. આ ક્રેઝ જોઈને કરણ જોહરે ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ સાથે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ થશે. શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી 15 ઓક્ટોબર 2023ના રોજ ફરી એકવાર થિયેટરોમાં જોવા મળશે. મીડિયા અહેવાલ અનુસાર, કરણ જોહરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી, ત્યારે થોડીવારમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ. તેનું બીજું કારણ એ છે કે કરણ જોહરે આ ફિલ્મની ટિકિટની કિંમત ઘણી સસ્તી રાખી હતી.
જાણો ટિકિટની કિંમત વિશે
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘કુછ કુછ હોતા હૈ’ના 25 વર્ષ પૂરા થવા પર કરણ જોહરે આ ફિલ્મની ટિકિટની કિંમત માત્ર રૂ. 25 રાખી છે, જેના કારણે તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. આ ફિલ્મ 15મી ઑક્ટોબર 2023ના રોજ PVR આઇકન વર્સોવા, મુંબઈ ખાતે સાંજે 7:00 PM અને 7:15 PM પર શૉમાં બતાવવામાં આવશે.