ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023ની માં યાદીમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. તાજેતરના ડેટા અનુસાર, 125 દેશોમાં ભારત 111માં સ્થાને છે. તે એમ પણ જણાવે છે કે દેશમાં બાળકોમાં કુપોષણનો દર સૌથી વધુ 18.7 ટકા છે. 28.7ના સ્કોર સાથે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સના પ્રકાશકોએ ભારતમાં ‘ભૂખ’ની સ્થિતિને ગંભીર ગણાવી છે. જોકે, ભારતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023ને ફગાવી દીધો છે. આ રિપોર્ટને લઈને ભારતે કહ્યું છે કે આ દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ઇન્ડેક્સને ફગાવી દીધો છે. સરકારે તેને ભૂખમરાનું અચોક્કસ માપ ગણાવ્યું છે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે તે ભારતની વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરતું નથી. તેમાં ઘણી ખામીઓ છે. આ સૂચકાંકની ગણતરી કરવા માટે વપરાતા ચારમાંથી ત્રણ સૂચકાંકો બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે, તેથી તેઓ સમગ્ર વસ્તીના સ્વાસ્થ્યને નિશ્ચિતપણે પ્રતિબિંબિત કરી શકતા નથી.
લેટેસ્ટ ઈન્ડેક્સ ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2022માં ભારત 121 દેશોમાંથી 107મા ક્રમે હતું. જો પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ આપણા કરતા સારી છે. ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન 102મા, બાંગ્લાદેશ 81મા, નેપાળ 69મા અને શ્રીલંકા 60મા ક્રમે છે. આ દેશોએ વિશ્વ ભૂખમરાના સંદર્ભમાં ભારત કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ રિપોર્ટ કહે છે કે ભારતમાં બાળકોનો કુપોષિત (કમજોર) થવાનો દર વિશ્વમાં સૌથી વધુ 18.7 ટકા છે. આ તીવ્ર કુપોષણ સૂચવે છે. તે જ સમયે ભારતમાં કુપોષણનો દર 16.6 ટકા છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર 3.1 ટકા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 15 થી 24 વર્ષની મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 58.1 ટકા છે.