દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો સૌથી લાંબી મેચની મજા માણશે. પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશે. અને રાત્રે 10:30 કલાકે એટલે કે લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે. ખરેખર આ ઐતિહાસિક ઘટના છે. જ્યારે કોઇ મેચને જોવા માટે આટલી મોટી સંખ્યામાં દર્શકો સાડા બાર કલાક સુધી મેદાનમાં રહેશે.
9 કલાક ચાલતી મેચને જોવા સાડા બાર કલાક સુધી કોઇ દર્શક સ્ટેડિયમમાં કેમ બેસી રહેશે. તો એનું કારણ એ છે કે આ એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ છે. દુનિયાની નજર ભારત પર હશે. અને તેમાં પણ સ્પોર્ટ્સની દુનિયાના કટ્ટર હરીફ એવા ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યારે આતંકવાદીઓ પણ આ મેચના આયોજનને બગાડવા માટે સક્રિય થયા છે. NIAને મળેલો ધમકીભર્યો ઇ-મેઇલ અને આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુના ધમકીભર્યા ઓડિયો બાદ રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતી નથી. જેથી સુરક્ષા કારણોસર દર્શકોને સવારે 10કલાકે સ્ટેડિયમમાં પ્રવેશ આપી દેવાશે.