વનપ્લસના ચાહકો માટે એક સારા સમાચાર છે. કંપનીએ આખરે તેના પહેલા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. માહિતી છે કે, આ ફોલ્ડેબલ ફોન 19 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ થશે. અત્યાર સુધી સેમસંગ ફોલ્ડેબલ ફોન સાથે માર્કેટમાં રાજ કરતી હતી, પરંતુ હવે તેને સ્પર્ધા આપવા માટે વનપ્લસ તેનો ફોલ્ડેબલ ફોન લાવી રહી છે. વનપ્લસ ઓપન ઈવેન્ટ પહેલા જ આ ફોનની કિંમત અને ફીચર્સ લીક થઈ ગયા છે.
ભારતમાં OnePlus Openની અપેક્ષિત કિંમત:
કેટલાક મીડિયા અહેવાલ અનુસાર, OnePlus Openની કિંમત $1,699 એટલે કે લગભગ રૂ. 1,41,490 હોઈ શકે છે. આ બહારની કિંમત છે, પરંતુ માનવામાં આવે છે કે આ કિંમત અમેરિકન બજાર કરતા ઓછી હોઈ શકે છે. જો કે, તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે વનપ્લસ ઓપન તેના પ્રથમ ફોલ્ડેબલ ફોનની કિંમત શું નક્કી કરશે. કારણ કે, કંપનીને માર્કેટમાં સેમસંગ ફોલ્ડેબલ ફોન્સ સાથે પણ સ્પર્ધા કરવાની છે.
જાણો OnePlus Openના સંભવિત ફીચર્સ અંગે:
વનપ્લસ ઓપનના લીક થયેલા ફીચર્સ વિશે વાત કરીએ તો કેટલાક રિપોર્ટ્સમાં ફોનના ફીચર્સ સામે આવ્યા છે. વનપ્લસ ઓપનમાં 7.8-ઇંચની ઇનર ડિસ્પ્લે હોઈ શકે છે. તેનો રિફ્રેશ રેટ 120 Hz હોઈ શકે છે. કવર ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તે 120 Hz સાથે પણ આવી શકે છે. તે 6.3 ઇંચની સ્ક્રીન સાથે આવી શકે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફોન Qualcomm Snapdragon 8 Gen 2 ચિપસેટથી સજ્જ રહેશે. આ સાથે ફોનમાં 18 જીબી રેમ અને 512 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપી શકાય છે. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફોલ્ડેબલ ફોન ગેપલેસ હિંગ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે જે OnePlus અને Oppo બંને દ્વારા વિકસાવવામાં આવ્યો છે.