આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપનો મહાજંગ થવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અમદાવાદ આવી પહોંચી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ આવી પહોંચ્યા હતા અને તે જેની થોડી ક્ષણો બાદ અરિજિત સિંહ પર એરપોર્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ વહેલી સવારથી અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનું સ્ટેડિયમમાં બારિકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ઈન્ડિયા-પાકિસ્તાન મેચ જોવા માટે આવનાર લોકો મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મેટ્રો સ્ટેશન પર લોકો ઉમટી રહ્યા છે. ટ્રેનમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો મેચ જોવા આવ્યા છે અન્ય લોકો પોતાના રાબેતા કામ મુજબ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશન પર ક્રિકેટનો માહોલ જામ્યો છે, લોકો મેટ્રોમાંથી બહાર આવીને ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનની ટીમ જ્યાં રોકાઈ છે ત્યાં હોટેલ હયાતની બહાર અમદાવાદી યુવતીઓએ જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગાના નારા લગાવ્યા હતા. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કરાશે. 12.30 વાગ્યાથી મનોરંજન કાર્યક્રમ, 1.30 વાગ્યે ટોસ થશે અને 2 વાગ્યે મેચ શરૂ થશે.