ઇચ્છાપોરમાં છાતીમાં દુઃખાવા બાદ 28 વર્ષીય યુવકનું મોત
રાજ્યમાં હાર્ટ એટેકથી યુવાઓના મોતની ઘટનાઓ વધતી જઈ રહી છે. સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે. ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વડોદરામાં નાસ્તો કરવા આવેલા પુરુષનું હાર્ટ એટેકથી મોત
વડોદરાના પાદરામાં પાતળીયા હનુમાન રોડ ઉપર આવેલ સેન્ડવીચની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા 43 વર્ષીય પુરુષ દિપક ઉર્ફે નીરજ રમેશભાઈ ચૌહાણને અચાનક ગભરામણ થતાં ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે પાદરાની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મહેસાણાની આર.જે. સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત
રાજ્યમાં યુવાનોમાં ગરબા દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનવામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મહેસાણાની એક શિક્ષિકાનું પણ ગરબા રમીને ઘરે આવ્યા બાદ મોત થયુ છે.મહેસાણાના ડેડિયાસણમાં આવેલા આર.જે. સ્કૂલમાં અભ્યાસ કરાવતી 22 વર્ષિય શિક્ષિકાનું મોત થયુ છે.
ઋચિકા શાહ નામની આ યુવતી શાળામાં આયોજિત ગરબા ઉત્સવમાં ગરબા રમ્યા હતા.તે ગરબે ઘુમીને ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ અચાનક હાર્ટએટેક આવ્યો અને તેનું મોત થયુ. અકાળે યુવતીનું મોત નિપજતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.