ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગળ જઈ રહેલી ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જીપમાં 19 લોકો બેઠા હતા. જેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે આવી રહ્યા હતા.
ગંભીર ઘાયલોને બીછીવાડાની સરકારી હોસ્પિટલ તથા શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2ની હાલત અતિ ગંભીર છે, તેઓને હિંમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે રાજસ્થાનના વિસ્તારમાં સર્જાઈ હતી. ગુજરાત પોલીસના જવાનો પણ અકસ્માતને લઈ મદદે દોડ્યા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી.
19 મુસાફરો ભરેલી ક્રૂઝર જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી હતી. ગુજરાતની સરહદમાં પ્રવેશે તે પહેલા જ થોડા જ અંતરે જીપની બ્રેઇક ફેઇલ થતા આગળ જતી ટ્રકની પાછળ જીપ ઘૂસી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 9 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું હતું. ઉપરાંત અન્ય 10 લોકોને સારવાર અર્થે રાજસ્થાનની બીછીવાડા સરકારી હોસ્પિટલ અને ગુજરાતની શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટાળાં એકઠાં થઈ ગયા હતા અને પોલીસ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.