સલમાન ખાન અને કેટરિના કૈફ એટલે કે અવિનાશ સિંહ રાઠોડ અને ઝોયા ફરી એકવાર ‘ટાઈગર 3’ લઈને આવ્યા છે. દર્શકો તેમની ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર જોઈને ખૂબ જ ઉત્સાહિત થયા છે અને ટ્વિટર પર તેના વિશે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
‘આતીશબાજી તમે શરૂ કરી, પૂરી હું કરીશ’, આવા જ કેટલાક વિસ્ફોટક સંવાદો અને જોરદાર એક્શન સીન્સ સાથે સલમાન ખાન અને કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. 2017માં રિલીઝ થયેલી ‘ટાઈગર ઝિંદા હૈ’ના લગભગ 5 વર્ષ પછી, સલમાન ખાન ફરી એકવાર RAW એજન્ટ અવિનાશ સિંહ રાઠોડની ભૂમિકામાં હલચલ મચાવવા માટે તૈયાર લાગે છે. ટાઈગર એટલે કે અવિનાશ સિંહ રાઠોડની સાથે તેની ઝોયા એટલે કે કેટરિના કૈફ પણ દુશ્મનોને ધૂળ ચટાડવા પરત ફર્યા છે.
દિગ્દર્શક મનીષ શર્મા દ્વારા નિર્દેશિત આ ટ્રેલરની ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ફરી એકવાર સલમાન ખાન એક્શન ફિલ્મ સાથે આવ્યો છે. દમદાર ડાયલોગ્સથી લઈને ખતરનાક સ્ટંટ સીન સુધી YRF સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘ટાઈગર 3’એ લોકોના દિલ જીતી લીધા છે. આ વખતે ઝોયાને પણ ઘણા સ્ટંટ સીન્સ મળ્યા છે અને ઈમરાન હાશ્મી ‘ટાઈગર 3’માં સલમાન ખાનને હરાવવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ તેનું સપનું કેટલું સફળ થાય છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. હાલમાં આ ફિલ્મ પર લોકોની રસપ્રદ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
‘ટાઈગર 3’ના ટ્રેલરને મળ્યા 2 મિલિયનથી વધુ વ્યૂઝ
આ ટ્રેલરને 54 મિનિટમાં 2.1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેન્સ અને સોશિયલ મીડિયા તરફથી કમેન્ટ્સ આવવા લાગી. ફિલ્મની રિલીઝ સાથે જ ટ્વિટર પર #Tiger3 Trailer ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સે કહ્યું છે કે સલમાન ખાનની આ ફિલ્મ તમામ રેકોર્ડને નષ્ટ કરવા માટે પૂરતી છે.