ODI વર્લ્ડ કપ 2023ની રવિવારે યોજાયેલી રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. રવિવારે દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ 285 રનના લક્ષ્યનો પીછો કરતા 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ કારમી હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મોટું નિવેદન આપ્યું છે.
ઈંગ્લેન્ડની ફ્લોપ બેટિંગ
અફઘાનિસ્તાને રવિવારે 15 ઓક્ટોબરે તેના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. તેણે વર્તમાન ODI વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું. દિલ્હીમાં રમાયેલ ODI વર્લ્ડ કપ 2023ની આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતાં 49.5 ઓવરમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનો દાવ 40.3 ઓવરમાં 215 રન પર જ સમેટાઈ ગયો હતો.
જોસ બટલરે હાર બાદ કહી આ વાત
હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું, ‘ટોસ જીતીને આટલા રન આપવા નિરાશાજનક છે. શ્રેય અફઘાનિસ્તાનને જાય છે, તેઓએ આજે અમને હરાવ્યા. અમે બેટ અને બોલ બંને સાથે જે સ્તરે ઇચ્છતા હતા તે સ્તર પર નહોતા. તેમની પાસે કેટલાક શાનદાર બોલરો છે, અમારી અપેક્ષા મુજબ ઝાકળ પડ્યું નથી. બોલ પણ થોડીવાર રોકાયા બાદ બેટમાં આવી રહ્યો હતો. તેઓએ (અફઘાનિસ્તાનના બોલરો) એકદમ સીધી બોલિંગ કરી અને સ્ટમ્પ અકબંધ રાખ્યા. અમે એટલા સારા ન હતા.
રહેમાનુલ્લા ગુરબાઝનો ધડાકો
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાને ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ (80) અને વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલીખિલ (58)ની અડધી સદીની મદદથી 284 રન બનાવ્યા હતા. ગુરબાઝે 57 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઇકરામે 66 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 3 જ્યારે માર્ક વૂડે 2 વિકેટ ઝડપી હતી. રીસ ટોપલી, લિયામ લિવિંગસ્ટોન અને જો રૂટને 1-1 વિકેટ મળી હતી.
મુજીબ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
ઈંગ્લેન્ડની ટીમે 285 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. માત્ર હેરી બ્રુક (66) થોડો સમય ક્રિઝ પર રહી શક્યો. તેણે 61 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 66 રન ઉમેર્યા હતા. ડેવિડ મલાને 39 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 32 રનનું યોગદાન આપ્યું હતું. ઓફ સ્પિનર મુજીબ ઉર રહેમાને અફઘાનિસ્તાન માટે શાનદાર પ્રદર્શન કર્યું, જેના માટે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેણે 51 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્ટાર સ્પિનર રાશિદ ખાને પણ 3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નબીએ 2 જ્યારે ફઝલહક ફારૂકી અને નવીન ઉલ હકને 1-1 વિકેટ મળી હતી.