ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનાં દરોડામાં 1 અબજથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ છે. સંપત્તિમાં 94 કરોડ રૂપિયા રોકડ, 8 કરોડનું સોનું તેમજ હીરા પણ સામેલ છે. એટલું જ નહીં વિભાગને દરોડામાં 30 મોંઘી ઘડિયાળો પણ મળી આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું છે કે, ઈન્કમટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી અધિકારીઓ તેમજ રિયલ એસ્ટેટ વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં 94 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, 8 કરોડ રૂપિયાની કિંમતની સોનું અને હીરાની જ્વેલરી તેમજ 30 મોંઘી વિદેશી ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી છે.
વિભાગે બેંગલુરુ , તેલંગણા , આંધ્રપ્રદેશના કેટલાક શહેરોમાં અને દિલ્હી માં 55 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, દરોડામાં કુલ 102 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક નિવેદનમાં જણાવાયું છે કે, એક ખાનગી કંપનીમાં કાર્યરત વ્યક્તિના પરિસરમાંથી 30 મોંઘી વિદેશી ઘડીયાલો જપ્ત કરાઈ છે, જેને ઘડિયાળના કારોબાર સાથે કોઈ લેવા-દેવા નથી.