વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ વચ્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત થઇ હતી. પીએમ મોદીએ ગૂગલની ભારતમાં ઇલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિસ્તારમાં ભાગ લેવાની યોજના પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલને AI શિખર સમ્મેલન પર આગામી વૈશ્વિક ભાગીદારીમાં યોગદાન આપવા માટે સુંદર પિચાઇને આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાને ગૂગલની 100 ભાષાઓની પહેલને સ્વીકારી અને ભારતીય ભાષાઓમાં AI ટૂલ્સ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા. તેમણે ગુડ ગવર્નન્સ માટે AI ટૂલ્સ પર કામ કરવા માટે ગૂગલને પ્રોત્સાહિત પણ કર્યું. વડાપ્રધાને ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી ખાતે તેનું વૈશ્વિક ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની ગૂગલની યોજનાને આવકારી હતી.
પિચાઈએ GPay અને UPIની મજબૂતાઈ અને પહોંચનો લાભ લઈને ભારતમાં નાણાકીય સમાવેશને સુધારવાની ગૂગલની યોજનાઓ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસના માર્ગમાં યોગદાન આપવા માટે ગૂગલની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને એઆઈ સમિટ પર આગામી વૈશ્વિક ભાગીદારીમાં યોગદાન આપવા માટે ગૂગલને આમંત્રણ પણ આપ્યું હતું, જેનું આયોજન ભારત દ્વારા ડિસેમ્બર 2023માં નવી દિલ્હીમાં કરવામાં આવશે.