હમાસના આતંકવાદીઓના પાપે આજે ફિલીસ્તીનની પ્રજા મુશ્કેલીમાં આવી ગઈ છે. હમાસે હુમલાની શરૂઆત કર્યા બાદ ઈઝરાયેલ જડબાતોડ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. છેલ્લા 11 દિવસથી એકબીજા પર હુમલો કરી રહેલા ઈઝરાયેલ અને આતંકી સંગઠન હમાસે સોમવારે સંઘર્ષ વિરામની વાતનો ઈન્કાર કર્યો હતો.
અગાઉ એવી ખબરો હતી કે ઈઝરાયેલ દક્ષિણી ગાઝામાં ઈજીપ્તને લગતી રફા ક્રોસીંગ પર સંઘર્ષ વિરામ માટે સહમત છે, કારણ કે ગાઝાના લોકોને બહાર મોકલવાનો આ જ એક રસ્તો છે. બીજી બાજુ ઉત્તરી ગાઝા છોડવાના ઈઝરાયલી ફરમાન બાદ 10 લાખ લોકો તે વિસ્તાર છોડી ચૂકયા છે તેમાંથી હજારો લોકો રફા ક્રોસીંગ પાસે ફસાયેલા છે. ઈજીપ્ત તેમને પોતાની તરફ આવવાની મંજુરી નથી આપી રહ્યું. બીજી બાજુ રફા ક્રોસીંગ પર મોટી સંખ્યામાં ફિલીસ્તીની મોજૂદ છે, જેમની પાસે વિદેશી પાસપોર્ટ છે અને તેઓ આ રસ્તેથી બહાર નીકળવા માંગે છે.
સવારે આ ક્રોસીંગ ખોલવાની ખબરો આવી હતી. જે બાદમાં ફગાવી દેવાઈ હતી. બીજી બાજુ સેંકડો ટ્રક મદદનો સામાન લઈને લાઈનમાં ઉભા છે. આ સામાનની ગાઝાના લોકો આતુરતાથી રાહ જુએ છે. અહીં સંકટ વધી શકે છે. દરમિયાન ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે હમાસના 6 કમાન્ડરોને ઠાર કર્યા છે. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે હમાસની કેદમાં 199 ઈઝરાયેલી નાગરિકો છે. ઈરાન તરફથી એવો દાવો કરાયો છે કે હમાસ બંધકોને છોડવા તૈયાર છે પણ તેના માટે ઈઝરાયેલે હવાઈ હુમલા રોકવા પડશે. હમાસ અનેક બંધક બાળકોની તસ્વીર જાહેર કરી છે. યુએને જણાવ્યું હતું કે બંધકોની મુક્તિમાં હજુ કોઈ પ્રગતિ નથી થઈ.