વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી વૈશ્વિક સમુદ્રી ભારત શિખર સંમેલન (જીએમઆઈએસ)ના ત્રીજા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સૌનુ સ્વાગત કરીને જણાવ્યું હતું કે, આજે એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલતી વિશ્વ વ્યવસ્થામાં દુનિયા નવી આકાંક્ષાઓ સાથે, ભારત તરફ જોઈ રહી છે. આ તકે વડાપ્રધાન મોદીએ 23000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટસનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે, આ પહેલા આપણે 2021માં મળ્યા હતા ત્યારે પુરી દુનિયા કોરોનાની અનિશ્ચિતતામાં ઘેરાઈ ગઈ હતી ત્યારે કોઈ નહોતું જાણતું કે કોરોના બાદનું વિશ્વ કેવું હશે પરંતુ આજે દુનિયામાં નવું વર્લ્ડ ઓર્ડર આકાર લઈ રહ્યું છે. આ બદલાતા નવા વર્લ્ડ ઓર્ડરમાં આખું વિશ્વ ભારત તરફ નવી આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. ભારતની મેરીટાઈમ ક્ષમતા મજબૂત રહી છે. દેશ અને દુનિયાને તેનાથી ફાયદો થયો છે.





