ગાઝામાં હૉસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 500 લોકો માર્યા ગયા છે. આ વિસ્ફોટ ગાઝા સિટી હોસ્પિટલમાં થયો હતો. વિસ્ફોટ પછી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના અધિકારી એક બીજા પર આરોપ લગાવવા લાગ્યા છે અને આ કારણે વેસ્ટ બેન્ક અને મધ્ય પૂર્વની આસપાસ વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયું છે.
હમાસના કબ્જા ધરાવતા ગાઝા પટ્ટીમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે ઇઝરાયેલી હવાઇ હુમલાને કારણે વિસ્ફોટ થયો છે. જ્યારે ઇઝરાયેલી સેનાએ વિસ્ફોટ માટે પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ આતંકવાદી ગ્રુપને જવાબદાર ઠેરવ્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આ હુમલાની ટિકા કરી છે. જો બાઇડને કહ્યું, “હું ગાઝામાં અલ અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ અને તેના પરિણામસ્વરૂપ જીવનના ભયાનક નુકસાનથી નારાજ અને દુ:ખી છું. આ સમાચાર સાંભળ્યા પછી મે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી છે અને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને આદેશ આપ્યો કે વાસ્તવમાં શું થયું હતું, તેના વિશે જાણકારી ભેગી કરવાનું ચાલુ રાખે.” બાઇડને કહ્યું, “સંયુક્ત રાજ્ય અમેરિકા સંઘર્ષ દરમિયાન નાગરિક જીવનની સુરક્ષા માટે સ્પષ્ટ રીતે ઉભુ છે અને અમે માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા દર્દીઓ, તબીબી કર્મચારીઓ અને અન્ય માટે શોક વ્યક્ત કરીએ છીએ.”
હમાસના લડાકાઓ સાથે ચાલી રહેલા ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આજે ઇઝરાયેલના પ્રવાસે જશે. આ યાત્રાની પૃષ્ટી પહેલા અમેરિકન વિદેશ મંત્રી બ્લિંકને કરી હતી અને પછી વ્હાઇટ હાઉસના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન બુધવારે ઇઝરાયેલનો પ્રવાસ કરશે. મહત્ત્વપૂર્ણ છે કે બાઇડન ઇઝરાયેલ પછી જોર્ડન પણ જવાના હતા પરંતુ ગાઝા હોસ્પિટલમાં થયેલા હુમલા પછી તેમણે પોતાનો પ્રવાસ રદ કરી નાખ્યો છે.