ગુજરાત સરકારે સોમવારે રાજ્યમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3,500 કરોડનું રોકાણ કરવાની તેની યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાસાથે 25 વર્ષ માટે પ્રતિ યુનિટ 2.57ના દરે 700 મેગાવોટ વીજળી મેળવવા માટે પાવર વપરાશ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી હતી.
આ પાવર પ્લાન્ટ આવતા વર્ષે ઓક્ટોબર સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્પન્ન થતી સૌર ઊર્જા રાજ્ય સરકારને સપ્લાય કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટમાં વાયેબિલિટી ગેપ ફંડિંગ દ્વારા મદદ કરી છે. ગુજરાતમાં 700 મેગાવોટ વીજળીના ઉમેરા સાથે, રાજ્યમાં એકંદર સૌર ઊર્જા ઉત્પાદનમાં વધારો થશે, પરિણામે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને દિવસના સમયે વધુ સઘન વીજ પુરવઠો મળશે.
ગુજરાતમાં કેન્દ્ર સરકારના નવા અને નવીનીકરણીય ઉર્જા વિભાગની “સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ” યોજનાના બીજા તબક્કા હેઠળ SECI દ્વારા પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાને વધારવામાં અને સ્થાનિક રીતે ઉત્પાદિત સોલાર પીવી સેલ અને મોડ્યુલોના ઉપયોગ દ્વારા પર્યાવરણીય ટકાઉપણાની સુવિધામાં મહત્વની ભૂમિકા ભજવશે.