સોશિયલ મીડિયા સાઇટ X એટલે કે ટ્વિટરના નવા યુઝર્સે વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે. કંપનીના માલિક એલોન મસ્કએ ગયા મહિને સંકેત આપ્યો હતો કે X કદાચ તમામ વપરાશકર્તાઓ પાસેથી ફી વસૂલવાનું શરૂ કરી શકે છે. કંપનીએ આવી સિસ્ટમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ મુજબ, નવા યુઝર્સે પોસ્ટ, લાઈક, રિપ્લાય અને રીપોસ્ટ કરવા માટે વાર્ષિક એક ડોલરની ફી ચૂકવવી પડશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે તે એક નવા પ્રોગ્રામ ‘નોટ અ બોટ’નું પરીક્ષણ કરી રહી છે. તેની શરૂઆત ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સથી કરવામાં આવી રહી છે. જો વપરાશકર્તા કંપનીની $3.99 પ્રતિ માસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સેવા માટે સાઇન અપ કરે તો આ ફી માફ કરવામાં આવશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટરને ખરીદ્યા બાદ તેનું નામ બદલીને X કરી દીધું.
પરીક્ષણ ક્ષેત્રમાં, નવા વપરાશકર્તાઓ ફક્ત પોસ્ટ્સ વાંચી શકે છે, વીડિઓઝ જોઈ શકે છે અને જો તેઓ પ્રીમિયમ અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ન લેતા હોય તો એકાઉન્ટ્સને અનુસરી શકે છે. તેઓ પ્લેટફોર્મ પર વાતચીત કરી શકતા નથી. વર્તમાન વપરાશકર્તાઓ પર કોઈ અસર થશે નહીં. કંપનીનું કહેવું છે કે આ પ્રોગ્રામનો હેતુ નફો કમાવવાનો નથી પરંતુ, પ્લેટફોર્મ પર સ્પામ અને બોટ એક્ટિવિટી ઘટાડવાનો છે. મસ્કએ વપરાશકર્તાઓને Xની પ્રીમિયમ સેવા માટે સાઇન અપ કરવા કહ્યું છે. આ માટે, વપરાશકર્તાઓને વાદળી ચેકમાર્ક આપવામાં આવશે, તેમની પોસ્ટને બૂસ્ટ કરવામાં આવશે અને તેઓ કંપનીના નવા એડ રેવન્યુ શેર પ્રોગ્રામનો લાભ લઈ શકશે.