જુનિયર એનટીઆરના ચાહકો માટે એક સારા સમાચાર છે. એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ‘એક્ટર્સ બ્રાન્ચ’ની નવી યાદી બહાર પાડી છે જેમાં ભારતના તેલુગુ અભિનેતા જુનિયર એનટીઆરનું નામ સામેલ છે. ફિલ્મ RRRની ઓસ્કર સફળતા બાદ આંતરરાષ્ટ્રીય મંચ પર જુનિયર એનટીઆરની આ બીજી મોટી સફળતા છે. અકાદમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાહેરાત કરી છે. ઓસ્કારના અધિકૃત પેજ મુજબ, ‘એક્ટર્સ બ્રાન્ચ’ના સભ્યોની પસંદગી, બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા આમંત્રણ પર કરવામાં આવે છે.
કવાન અને કેરી કોન્ડોન જેવા સ્ટાર્સ યાદીમાં સામેલ
એકેડમીએ ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વર્ષે ‘એક્ટર્સ બ્રાન્ચ’માં જોડાનારા નવા સભ્યોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી. જુનિયર એનટીઆરની સાથે આ યાદીમાં ઓસ્કાર વિજેતા કે હુઈ ક્વાન, માર્શા સ્ટેફની બ્લેક, કેરી કોન્ડન અને રોઝા સાલાઝારનો સમાવેશ થાય છે. ‘એક્ટર્સ બ્રાન્ચ’ના સભ્ય બનવા માટેની સૌથી મહત્ત્વની લાયકાત વિશે વાત કરીએ તો, તેના સભ્યોએ મોશન પિક્ચર્સની કળા અને વિજ્ઞાનમાં વિશેષ યોગદાન આપ્યું હોય અથવા તેમાં વિશેષ નિપુણતા હોય તે જરૂરી છે.
ચાહકોમાં ખુશી
જુનિયર એનટીઆરના ચાહકો પણ આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ દેખાતા હતા. જુનિયર એનટીઆરના ફેન્સ સોશિયલ મીડિયા પર લખે છે કે – ‘ખુશી છે કે તમે જુનિયર એનટીઆરને આ લિસ્ટમાં સામેલ કર્યા છે, ચોક્કસપણે એક્ટિંગ સુરક્ષિત હાથમાં છે’. જ્યારે, અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘ભારતથી અમારા જુનિયર NTR ત્યાં છે, અદ્ભુત એકેડમી!!!’. તમને જણાવી દઈએ કે 95માં ઓસ્કાર સમારોહમાં પ્રથમ વખત ભારતને બે એવોર્ડ મળ્યા હતા. સૌથી પહેલો એવોર્ડ ફિલ્મ RRRના ગીત ‘નટુ-નટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો બીજો એવોર્ડ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને આપવામાં આવ્યો હતો.