આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના ત્રણ દિવસ પછી, પાકિસ્તાને હવે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં એલઓસી પર સીમા પારથી ગોળીબાર કર્યો છે. સ્નાઈપર શોટમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે.
સૂત્રોએ જણાવ્યું કે શુક્રવારે કેરન સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાને સેનાના એક જવાનને સ્નાઈપર શોટથી નિશાન બનાવ્યું જેમાં તે ઘાયલ થયો. આ ઘટના LOC પર ચાંદની પોસ્ટ પાસે બની હતી. ઘાયલ સૈનિકને વિશેષ સારવાર માટે શ્રીનગરની આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ સૈનિક સેનાના 5/11 GR સાથે તૈનાત છે. દરમિયાન, આ ઘટનાને લઈને સેના દ્વારા કોઈ ઔપચારિક નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આ પહેલા મંગળવારે IB પર અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં BSFના બે જવાન ઘાયલ થયા હતા. ગુરુવારે બંને દેશો વચ્ચે યોજાયેલી ફ્લેગ મીટિંગમાં BSFએ આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.






